Tuesday, April 13, 2010

નિઃશુલ્ક સેવા અને સ્ત્રીની સમસ્યા



નિઃશુલ્ક સેવા અને સ્ત્રીની સમસ્યા

કોઈ એક વાર મન કડવું કડવું થઈ ગયું. શરીર માં જાણે પ્રાણ જ રહ્યા નહોતા.તાકાત નહોતી રહી. પાસે જ પડેલું પાણીનું ગ્લાસ પણ કોઈ ઉંચકીને આપે તો પીવાય અને સામે જ પડેલું અન્ન કોઈ ખવડાવે તોય ખાઈ લેવાની સુધ બચી નહોતી. કોઈ ગમતા ભોજનની ઈચ્છા થાય તો કોણ બનાવી આપે? એવું કોણ છે જેને મનની વાત કહી શકાય કે મને આ બનાવી આપો ? કોને કહી શકાય કે ખાવું ભાવતું નથી.અને ભાવતું કોઈ બનાવી આપતું નથી? નાની મોટી જરુરીઆતો પૈસા આપતા કોણ બજારમાંથી લાવી આપે?

મન ચકરાવે ચઢી ગયું કોઈ કેટલાય ગ્લાસ પાણી લોકોને પાયા હશે.કઈં કેટલાય ટંક લોકોને રાંધીને ખવડાવ્યું હશે?.કઈં કેટલાય ગ્લાસ લીંબુ પાણી - નાસ્તા આપ્યા હશે. કોઈ કેટલીય વાર બીજાને ઘરે જઈ બીજાને નાસ્તા પાણી આપવામાં મદદરુપ થઈ હોઈશ ? કેટલી વાર નાના મોટા કામો માટે દોડી હોઈશ. હિસાબ કોણે રાખ્યા છે? એકાદ દિવસ પણ ઘરે પાછા ફરતા લબાચા વગર પાછી ફરી નથી.એમા કોનો કેટલો સામાન હતો એની જાણ ક્યાં હતી ? બસ કામ છે એટલે કરી નાખવાનું. નિઃશુલ્ક સેવા.કઈ કેટલીય સ્ત્રીની સમસ્યા!


કઈં કેટલીવાર કેટલું દોડીદોડીને કેટલા કામો કર્યા છે એના ક્યાં રેકોર્ડ રાખ્યા છે? પણ આજે કોણ યાદ કરતું હશે ? આજે કોને મારી પડી છે ? આજે મારું કોણ??આજે કોણ કોને પુછે છે? આજે આ બધી વાત કહું તો કોને કહું ? બધા કૃતઘ્ન છે----.આખી દુનીયા કૃતઘ્ન છે.કોઈએ કરેલા કામોનો કોઈ હિસાબ કોઈ રાખતું જ નથી.બસ નિશુઃલ્ક કામ કર્યે જાવ, કર્યે જાવ ,----કર્યે જાવ.---- કોઈને તમારી સેવાની કદર જ ક્યાં છે ? તમને જરુર હોય ત્યારે કોણ તમારી સહાયે આવે છે ?

આમ વિચારીને કડવાશ ને મોમાં ને મનમાં ચગળાવવાની શરુઆત કરતી હતી ત્યાં અચાનક કોઈએ મારા કાન પકડ્યા.







”કોણ તું ? ”
”હું સત્ય.”
“તેં કેમ મારા કાન પકડ્યા?”
“હજી તો કાન માત્ર પકડ્યા જ છે . આમળ્યા તો નથી ને ?”
”તે એવું તો મેં શું કર્યું છે ? કે તારે મારા કાન આમળવા પડે ?”
”તું મારું સાંભળે નહીં તો મારે કાન ન આમળવા પડે. ?”
”કેમ શું નહી સાંભળ્યું ? મારે વળી શું સાંભળવાનું છે?”
”સત્ય ”
”સત્ય ?”
”કયું સત્ય?”
”કેમ વળી તું હમણા તો કહેતી હતીને કે બધા કૃતઘ્ન છે.તે યાદીમાં તારું નામ ટોચ પર છે. એટલે તો કહું છું .પણ તું ક્યાં સાંભળે છે ?”
”કોણ હું કૃતઘ્ન ?”
-”હા તું કૃતઘ્ન. બોલ તું ગર્ભમાં હતી, તારું નામો નિશાન ન હોતું ત્યારે કોણે તારા રક્ત , માંસ , હાડ, તારું સમગ્ર શરીર ઘડનાર ને તેં કેટલું શુઃલ્ક આપ્યું ?”
-”જ્યારે તારું મોઢુ પણ નહોતું ત્યારે માતાનાં સ્તનમાં દુધ વહાવનાર નો હિસાબ તેં રાખ્યો
છે?”
-”તું તારા પગ પર ઉભી થતા શીખી અને તને તારા મળમુત્રનું ધ્યાન રાખતા પણ નહોતુ આવડતું ત્યારે તને લાયક કોણે બનાવી. ?” ” તું સ્વમાન ભેર તારા પગ પર ઉભી રહી શકે એ માટે ત્યાર પહેલા કેટ કેટલા લોકોએ તારા માટે શું શું કર્યું એનો હિસાબ તારી પાસે છે ખરો ?” ”તે આજ સુધી શું,કોને,અને કેટલું મુલ્ય ચુકવ્યું ?”
”જે શાળામાં તું ભણી એ તેં ઊભી કરી હતી શું ?”
”શાળાએ જવા માટે જે રસ્તા પરથી તું જતી હતી તેના પર ડામર તેં રેડ્યો હતો કે ?”
”જન્મથી આજ સુધી શ્વસેલા પ્રાણવાયુ નું મુલ્ય કેટલું થાય ખબર પણ છે ?”એ મુલ્ય તેં ક્યાં ને કેટલું ભર્યુ ?”
”અને તારા અંગે અંગમાં રક્ત થઈ ગએલા જળને તું ક્યાંથી ખરીદી લાવી ?”
”આજ સુધી જે ખાધું પીધું એને ચુકવવા માટે શુઃલ્કનો હિસાબ માંડ્યો છે ખરો ?”
”નહીં ને ?” ”તો બોલ કૃતઘ્ન કોણ છે ?”
મેં ક હ્યું, ”સત્ય, ભઈલા ! હિસાબ માંડી વાળ ને ! ”

સત્ય મીઠું મીઠું હસવા લાગ્યું
હું પણ ચુપચાપ મીઠું મીઠું હસવા લાગી.
અને મન પણ મીઠું મીઠું મલકાવા લાગ્યું.
મેં ક હ્યું , ”ચાલો હિસાબ ભુલી ને કામે વળગીએ. ”
ને હું ચુપચાપ મીઠું મીઠું મલકાતા નિઃશુલ્ક કામે વળગી

No comments: