Monday, July 6, 2015



કરમ કરે કાળીઓ અને ભોગવે ધોળીઓ એક હતો ઓઘડશંકર. એનું નામ શું હતું તે તમે જાણો , હું ના જાણું. ઓઘડશંકરને ટેવ એવી કે, કોઈ પણ, કંઈ પણ ભૂલ કરે, એટલે ઝટ લઈને બળતા અંગારા પટ દઈને હાથમાં લઈ લે. અથવા પટ દઈને માથે મૂકી દે. અથવા પટ દઈને હદયમાં મૂકી દે. લોકો અવાર નવાર ભૂલો કર્યા કરે. અરે અવાર નવાર તો શું, સવાર પડે ને ભૂલોની વણઝાર શરૂ થઈ જાય. એક ભૂલ , બીજી ભૂલ, ભૂલ પર ભૂલ. એક આવે ને ભૂલ કરે, બીજો આવે ને ભૂલ કરે, ત્રીજો આવે ને ભૂલ કરે અને પછી..ભૂલ પર ભૂલ .... ભૂલ થાય તો ઓઘડશંકર જરાય ચલાવી ન લે. “આમ થાય જ કેમ” , “આમ કરાય જ કેમ” “ આમ ન જ કરાય.” “ હું જરાય ચલાવી ન લઉં .” અને સાચે જ ઓઘડશંકર કોઈ પણ , કાંઈ પણ ભૂલ કરે કે તરત જ,જરાય વાર કર્યા વગર ઓઘડ તાત્કાલિક દંડ દઈ દે. રાધર , પોતે દંડ લઈ લે. ઓઘડશંકર કોઈ પણ ભૂલ જરાય ચલાવી ના લે. અને એક પણ ભૂલ બદલ તેણે સજા ન કરી હોય એવું બને જ નહીં ને. ઓઘડશંકર તરત જ અંગારા હાથ પર લઈ લે. અથવા અંગારા માથે મૂકી દે અને હ્દય માં પણ મૂકી દે. જેટલી મોટી ભૂલ , એટલા વધુ અંગારા. એટલું જ નહીં ઓઘડશંકરના ન્યાયાલય માં બધી જ સજા જનમટીપ ની જ હોય. નાની ભૂલ , મોટી ભૂલ, મારી ભૂલ, તમારી ભૂલ, ઓલાની ભૂલ, પેલાની ભૂલ, ગઈ કાલે કોઈએ કરેલી ભૂલ , કે આજે થએલી ભૂલ, આવતી કાલે થવાની ભૂલ, સદીઓ પહેલીની ભૂલ, કે સદીઓ બાદ થવાની ભૂલ, અહીંયા થએલી ભૂલ, તહીંયા થએલી ભૂલ, ઓઘડશંકર ભૂલો શોધી લેવામા એક્સપર્ટ ભલ ભલાની ભૂલો શોધી કાઢે. ઓઘડશંકર બધાનો રેકોર્ડ રાખે. અને દરેકે દરેક ભૂલો માટે આજીવન કેદ ની સજા ફરમાવે . પાછો કહેતો જાય. “ મૈ નહીં ભૂલુંગા” અને અંગારા હાથમાં લઈ લે. અંગારા માથે લઈ લે. અંગારા હૃદય માં રાખી દે . અંગારાથી હાથ દાઝે, અંગારાથી માથુ ભમી જાય . અંગારાથી હૃદય બળ્યા કરે. તે ગમે તે હોય , પણ ઓઘડશંકર ભૂલની સજા કરે, કરે ,અને કરે જ કરે. પછી ભલેને કરમ કરે કાળીઓ અને સજા ભોગવે ધોળીઓ. ભૂલ કરે એક અને એને સજા થાય કે નહીં પણ ઓઘડ પોતાને સજા કરે કરે અને કરે જ કરે. કોઈ કહે ,” ભાઈ આવી કઠોર સજા ન કર.” પણ ઓઘડ મોં ફૂલાવી ને કહે , ભૂલ ચલાવી ન જ લેવાય . ભૂલની સજા થવી જ જોઈએ. મેં ઓઘડશંકરને આજીવન સજા ભોગવતા જોયો છે. મને બહુ દુઃખ થયું. એક હતો બોઘડશંકર , તમે કદાચ તેને ઓળખતા હશો. તમે તેનું નામ કદાચ જાણતા હશો. એને એવી ટેવ કે , જેવી કોઈની ભૂલ થાય કે તરત જ તેને ક્ષમાના ડીલીટ બીનમાં નાખી દે. ક્ષમા ના ડીલીટ બીનમાં નાખેલી ઘણી બધી ભૂલો નેસ્તનાબૂદ થએલી મેં જોઈ. અને જે ભૂલો નષ્ટ ન પામે તો ?? બોઘડશંકર એ બાબતે બહુ સાવચેત છે. બોઘડશંકર પણ ભૂલો ચલાવી ના લે . કોઈ પણ ભૂલો હોય , ગઈકાલની ભૂલો, આજની ભૂલો કે આવતી કાલની ભૂલો. મારી ,તારી,ઓલાની ,પેલાની ભૂલો થાય તો ભૂલો પર ધ્યાન દે. ભૂલો જો પોતાની હોય તો બોઘડશંકર એ ભૂલ સુધારી દે. અથવા પોતાના વડે એ ભૂલ ફરી ન થાય એનું ધ્યાન રાખે. પણ જો ભૂલ બીજાની હોય તો બોઘડ શંકર તે ભૂલોને તરત જ માફ કરી દે. માફ કરે એટલે કંઈ બોઘડશંકર એ ભૂલોને માન્યતા, મંજૂરી, પસંદગી, સંમતિ કે બહાલી આપી ન દે. પણ એ ભૂલો દૂર થાય એ માટેના પ્રયત્ન માં મંડી પડે. અને આ ભૂલો ને લીધે પોતાને સજા ના થાય તેની ચોકસાઈ રાખે. પણ ભૂલે ચૂકે એ ભૂલ પોતાના ઘરમાં ન લાવે. ભૂલોને હાથમાં ,માથામાં કે હૃદયમાં ન જ રાખે. કહે છે ક્રોધ અને બળતા અંગારામાં ઝાઝો ફરક નહીં. કહે છે કે અંગારા મડદાને બાળે અને ક્રોધ જીવતાને બાળે. તો પછી કોઈએ કરેલી ભૂલ માટે અંગારા આપણે શા માટે લઈએ ? અને ખરૂં કહું તો ક્યારેક બોઘડશંકર ઓઘડશંકર કોણ છે તેની મને સમજ પડતી નથી. ક્યારેક બોઘડશંકર ઓઘડ બની જાય છે તો ક્યારેક થાકી હારીને ઓઘડ બોઘડ જેવુંકરવા જાય છે. મારું આમા કાંઈ ન મળે. પણ કરમ કરે કાળિયો અને સજા ભોગવે ધોળીઓ એ જોઈ ને મને બહુ દુઃખ થાય છે. પણ .ઓઘડશંકરને જઈને કોણ કહે, ‘ભઈ! કોઈની ભૂલની શિક્ષા તું શું કામ ભોગવે ભઈલા ?’ બોઘડશંકરની જેમ ભૂલને ક્ષમાના ડીલીટબીન માં પધરાવી દે. અનેકવાર ડાહ્યાઓ કહી કહી ને થાકી ગયા છે તે લો ફરી એક વાર મેં કહી દીધું. .