Tuesday, June 30, 2015

Tuesday, June 23, 2015


આજે હું જીવતી છું કે મરી ગઈ છું?

આજે હું જીવતી છું કે મરી ગઈ છું? અર્થાત હું હમણા છું કે નથી?? મારા મા-બાપ હવે આ દુનિયામાં વસતા નથી. એટલે એમને કઈ રીતે પૂછું? હું જીવતી છું , કે મરી ગઈ છું? હું છું, કે નથી?? પણ જ્યારે હવે પ્રશ્ન થયો જ છે તો ચાલ સંબંધોના ગુગલમાં સર્ચ કરી જ લઉં. ભાઈ , ભાભીને પૂંછું તો ઉત્તર મળે, આવા સવાલ કરાય ?? અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય? લગ્નપહેલા સાથે જમતા હતા, સાથે રમતા હતા, સાથે નિશાળે જતા હતા એટલે તું નજર સામે હતી એટલે ખબર હતી કે તું જીવે છે, તું છે. આમ તો તને પરણાવી એટલે તું હવે અન્ય કુટુંબની જવાબદારી, વાર તહેવારે, રક્ષા બંધન અને ભાઈ બીજે , અમારા ઘરના સારે માઠે પ્રસંગે તું અગર અમને મળવા આવે ,અથવા વોટસ અપ પર તારું લાઈક નું પોસ્ટીંગ આવે, તો ખબર પડે કે કદાચ તું જીવતી જ હશે. બાકી આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને કઈ વાતમાં મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે , કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની અમને શી ખબર ? અમને તારા વિશે આ બધી જાણ નથી , એટલે અમારા માટે તું અ- જાણી છે.અનજાન છે. અમે કઈ રીતે કહીએ કે આજે તું જીવતી છે કે નહીં, આજે તું છે કે નથી? ચાલો ભાઈ! ગુગલ સર્ચના આ પાના પર જોઈતી માહીતી નથી, તો ચલને બીજે સર્ચ કરું. મેં બહેનના વિચારોને ટકોરા માર્યા, બહેન બહેન!! મને કહેને કે હું જીવતી છું , કે મરી ગઈ છું? હું છું કે નથી?? બહેને કહ્યું ,મારા લગ્ન પહેલા હું રોજ તારા ચોટલા વાળતી હતી, તને જોતી હતી,તું ખુશ થઈને દોડમ્ દોડી કરી મૂકે તે જોતી હતી, તું રીસાઈ ને ખૂણામાં બેસી જાય તો મને ખબર પડી જતી હતી.એટલે ગઈ કાલે તું જીવતી હતી તેની મને જાણ છે ,પણ હવે તો હું મારા સંસારમાં રમમાણ છું, અને તું તારા ઘરે . મને શી રીતે ખબર પડે કે આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ? મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે.અનજાન છે. હું કઈ રીતે કહું કે આજે તું જીવતી છે કે નહીં, આજે તું છે કે નથી? ચાલો ભાઈ! ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી, તો ચલને બીજે સર્ચ કરું. ચલ પતિને પુછું. હું જીવતી છું કે મરી ગઈ છું? હું છું કે નથી?? આવા સવાલ કરાય ?? અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય? પતિ કહે , પહેલા તું મારા માટે રસોઈ કરતી હતી, ઘર સાફ કરતી હતી,કામે જાઉં ત્યારે હાથમાં ચાવી, રૂમાલ, મારો મોબાઈલ અને મારું પાકીટ આપતી હતી, ત્યારે તું હતી એવો આછો આછો અહેસાસ થયાનું યાદ છે. હું હજીએ મારા પોતાના કામમાં બીઝી છું . મારા કામ કાજ અંગે મારે પેપર વાંચવાનું હોય. મારા કામ કાજ અંગે મારે ન્યુઝ જોવાના હોય. મારા પોતાના કામ કાજ અંગે મારે કામે જવાનું હોય. ગવર્મેંટના કાયદા જાણવાના હોય , “ મોટા લોકોને સલામી આપવાની ,ને નાનાને લાત મારવાની”હોય. પેપેર માં ન્યુઝમાં, કામ કાજમાં ગવર્મેટના કાયદાઓમાં તારા વિષે કંઈ જાણકારી નથી . મને શી રીતે ખબર પડે કે આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે. એટલે તું અનજાન છે. હું કઈ રીતે કહું કે આજે તું જીવતી છે કે નહીં, આજે તું છે કે નથી? ચાલો ભાઈ , ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી, તો ચલને બીજે સર્ચ કરું. એટલે ગઈ દિકરા પાસે. દિકરો કહે મા તું આમ તો તું બહુ સ્પેશીઅલ છે, ગઈ કાલે તું મને ભાવતું ખાવાનું બનાવતી હતી, મારું દફ્તર તૈયાર કરતી હતી ,તારા કામમાં મારી વાતો સાંભળતી જ નહોતી ત્યારે મને રીસ ચડતી હતી. એટલે ગઈ કાલે તું હતી ખરી . પણ આજે મારે હજી નવા નવા ખેડાણો ખેડવાના છે , હું એ અંગે માહિતી ભેગી કરી રહ્યો છું , મારા બાળકોને કઈ સ્કુલમાં મુકવા તેની ફિકરમાં છું, મારી પત્નીની બધી ફરમાઈશ પૂરી કરતા કરતા કંઈ કેટલી મૂસીબતો પડે છે, વળી બહારનું જગત તો બસ ડીમાંડ કર્યા કરે છે. મારા પોતાના બધા શોખ તો નેવે મૂકી દીધા છે. મારું ક્રીકેટનું બેટ, મારું વાયોલીન, મારા ચિત્રો અને રંગપેટી ક્યાંપડ્યા છે તેનું ઓસાણ પણ નથી. મને શી રીતે ખબર પડે કે આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે, એટલે તું અનજાન છે. હું કઈ રીતે કહી શકું કે , આજે તું જીવતી છે કે નહીં??? આજે તું છે કે નથી? ચાલો ભાઈ ! આ ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી, તો ચલને બીજે સર્ચ કરું. હવે કોને પૂછું? દિકરી તો સાસરે ગઈ છે. સાસરામાં કંઈ કેટલા કામો હોય. કંઈ કેટલી જવાબદારી હોય . દિકરીને ત્યાં ક્યાં ટ્ક ટક ટકોરા મારી ક્ટ કટ કરું? પણ ચાલ હવે ગુગલમાં પાનું ખૂલી જ ગયું છે તો પૂછી જ નાખું. બેટા હું જીવતી છું કે મરી ગઈ છું? હું છું કે નથી?? દિકરી કહે, આવા સવાલ કરાય ?? અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય? લગ્ન પહેલા તું મને ખૂબ વઢતી હતી, આમ કરાય , આમ ન કરાય એવા રુલ બનાવતી હતી, મને ભાવતું , ના ભાવતું ખાવાનું બનાવતી હતી , મને સ્કુલે તેડવા મૂકવા આવતી હતી,મને ઊઠાડતી હતી અને મને પરાણે સુવડાવી દેતી હતી. એટલે ત્યારે તું જીવતી હતી ખરી. પણ આજે હું તારાથી દૂર મારા ઘરે છું. ઘરના કામ કાજ કરૂં ત્યારે તને યાદ કરૂં,રસોઈબનાવું ત્યારે ગઈકાલે તું વઢેલી તે યાદ આવે, ઘરના કામકાજ કરતા કે મારા ઓફિસમાં ક્યારેક અલપ ઝલપ ગઈ કાલે કહેલી તારી ઘણી વાતો યાદ આવે ખરી .એટલે ગઈ કાલે તું હતી ખરી . એટલેકે ખરેખર હતી. પણ મને શી રીતે ખબર પડે કે આજે તું ક્યાં છે, તું શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે, કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે. એટલે તું અનજાન છે. હું કઈ રીતે કહી શકું કે આજે તું જીવતી છે કે નહીં??? , આજે તું છે કે નથી? ચાલો ભાઈ ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી, તો ચલને બીજે સર્ચ કરું. હવે કોને પૂછું? હવે કોને પૂછું? હવે કોને પૂછું? યાર ! જવાદે ! આ સર્ચ સાવ નિરર્થક છે. મેં “હું”નું પાનુ ખોલ્યું . મેં મને જ પૂછ્યું હું જીવતી છું કે મરી ગઈ છું? હું છું કે નથી?? મેં તરત જ જવાબ આપ્યો, અરે!! આ શું સવાલ કરી નાખ્યો?? અરે તું જીવે જ છે. તું જીવતી હતી , જીવે છે , અને જીવતી રહેશે. તું હતી, તું છે અને રહેશે. એમા પૂછવાનું જ શું? ગઈ કાલે , આજે કે આવતી કાલે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તે બધાની ખબર “હું “ રાખું જ છું. તારા વિશે આ બધી જાણ મને છે જ છે. એટલે મારા માટે તું અ- જાણી નથી .મારા માટે તું જરાય અનજાન નથી. તું પ્રેમ કરે છે, સુર્ય પ્રકાશ જોઈ તું ખીલી ઊઠે છે, ચંદ્ર અને તારા જોઈ તું હરખાઈ જાય છે. ફુલોની સુંદરતા તું માણી શકે છે. ક્યાંક પડેલો કચરો તું ઊઠાવી લે છે, તું બાળકોને જોઈ ખીલ ખીલ હસી પડે છે. તું વરસતા વરસાદમાં ભીંજાઈ જાય છે. તું સમુદ્રના મોજા જોઈ ઊલ્લાસે ચઢે છે. માનવ મહેરામણ જોઈને તને બધા વિશે કુતુહલ જાગે છે. તું બીજાના સુખે સુખી થઈ જાય છે. અને બીજાના દુઃખે દુઃખી દુઃખી થઈ જાય છે. તું હસી પડે છે, તું રડવા માંડે છે. તને ઘડનાર અંગે તું શ્રદ્ધા ધરાવે છે. તું તને ઘડનાર પ્રત્યે કૃતાર્થ છે . મને ખાતરી છે કે તું જીવે છે, તું મરી નથી ગઈ.
creativity