Saturday, June 5, 2010

એકલા ચોલો


એકલા ચોલો
તારી કોઈ ડાક સૂણી કો ના આવે તો એકલા ચોલો.
પ્રેમથી ગાતા ગાતા મન
ભરાઈ આવ્યું.
કંઈ કેટલો લાંબો માર્ગ મારે એકલા ચાલવાનો છે.
માર્ગ પર કાંટા હશે,
રણ હશે, વિકટ પંથ.
ચાલો કવિવર કહે છે તો એકલા ચાલીયે.
ભારે હૈયે ડગલું મૂકયું.
ઊંઘરેટા કંઠે હાક મારી
કોઈ આવો છો?
કોઈ આવો છો?
કોઈ સાથે આવોછો?
કવિવરનીજેમ મને પણ ઉત્તર ન મળ્યો.
ચાલો ચાલવાનું જ છે તો ચાલી નાખીએ.
શરૂ થઈ જાય.
ઊંઘરેટી આંખો સાથે ચાલવાનું શરૂ કર્યુ.
નિરાશા, કડવાશ, બીજાઓની ટાઢાશનો મોટો કોથળો ખભે આપોઆપ ચઢી બેઠો.
આપ વડાઈ, “જુઓ ‘હું’કેટલું મહત્વનું કામ કરું છું.” એનો મોટો ભારોભાર વજનદાર ટોપલોય માથે આપોઆપ મૂકાઈ ગયો.
હું બેવડ વળી ગઈ, લાકડીને ટેકે ટેકે – બેળે - બેળે ચાલવા માંડી . બોજો ઊંચકી ન શકાતા માંડ થોડા ડગલા ચાલી અને માર્ગને કોરે ઓટલા પર બેસી પડી.
બોજોએ ‘સ્વ’ પ્રયત્ને બાજુએ મૂક્યા.
હાશ લાવ પાણી પીઉં એમ વિચારૂં ત્યાં પરબડી માંથીપાણી આવ્યું.
હાથ, મોં ધોઈ, મેં મોં પર છાલક મારી. ધૂળ, થાક ને બોજાથી ઢળેલી આંખો થંડા પાણીના સ્પર્ષથી ખૂલી ગઈ.
પાણી પીધું.
સમાધાન થયું પાછળ નજર કરી, બસ આટલાજ કદમ હું ચાલી?
કિનારે પડેલા પથ્થરા,કંકર, કંટકો, આજુબાજુ ખંતથી ઉગાડાએલી વૃક્ષ વલ્લરીઓ, આગળના પથનો વાંકોચૂંકો પણ કંઈક કેટલાઓના ચરણથી રજોટાએલો પથ નજરે પડ્યો.
પરબડી પણ દેખાઈ. તાજુ ભરાએલું પાણી, ગ્લાસ, પરબડીની આસપાસનો છાંયો ,
હું બેઠી હતી તે ઓટલો.
એની આજુબાજુ નો છાંયો .
આ કોથળાને ટોપલાના બોજા નીચે મેં ચાલવા માંડ્યું,
ત્યાર પહેલા મારા ગજવામાં મૂકાએલો ભાખરીનો ટૂંકડો,
ખાતાએ ખૂટયો નહીં. હવે હળવે હળવે યાદ આવ્યું.
કંઈક કેટલાય લોકોએ હાક મારેલી. ત્યારે હું એ સાંભળીને સાથે કેમ ગઈ નહોતી?
ઊંઘતી હતી હું.
કંઈક કેટલાય લોકોને મેં હાક મારી હતી. એ લોકો મારી સાથે કેમ ના આવ્યા તેની ખબર મને હમણાં પડી.(બત્તી હમણાં થઈ.)
આ પથને રજોટનાર.
મારા પૂરો ગામીઓ,
આ ઓટલો બનાવનારાઓ.
આ પથને વૃક્ષ વલ્લરીથી શોભાવનારાઓ,
આ પરબડીને બાંધનારા, પાણી ભરનારા એમની હાંક સૂણીને હોકારો આપી,
એમની સાથે હું ન ગઈ, એથી નારાજ થયા વગર કયારના આગળ ચાલ્યા ગયા હતા.
ભલા એકલા ચાલવાનું કેટલું મજા ભર્યું છે. ?
હું ઝટ દઈને ઊભી થઈ.
કોથળોને ટોપલો ત્યાંના ત્યાંજ પડયા રહ્યા.
ગજવામાં કદીન ખૂટતો રોટલો માત્ર રહ્યો.
હાલો જીવ – ભાગો.
મારા સાથીઓ ખૂબ આગળ નીકળી ગયા છે. મેં લગભગ દોટ મૂકી.
હળવા ફૂલ થઈને. આખે રસ્તે ઠેર ઠેર ફૂલોજ ફૂલો હતા.
સુગંધ જ સુગંધજ, છાંયોજ છાંયો.
ચાલતા ચાલતા જ્યાં છાંયો નથી ત્યાં હું છાંયો કરતી જાઉં છું.
જ્યાં કંટકો છે તેં ઊંચકતી જાઉં છું. કંકરોને રજોટાવતી જાઉં છું.
ચાલ આવે છે સાથે?
ના?
સુવું છે હજું?
ભલે થોડું વધુ સુઈ લે પણ પછી.
એકલા ચાલો.
એકલા ચાલો.
એકલા ચાલો રે.
એકલો જ આવજે
એકલો જ આવજે
એકલો જ આવજે
તારા માર્ગના કંટકો હટાવવાના છે.
તારા માર્ગમાં ફૂલો બીછાવવાના છે.
તું ઊંઘ માંથી ઉઠે.
હાક મારે ત્યાં સુધી રોકાઈ ન શકું હું.
મને હાક મારનારની સાથે મારે થઈ જવું છે.
મારે દોટ મૂકવી જ રહી.
અહીં મૂકેલા પાણીની છાલક મારી આંખો ઉઘાડી ચાલજે . જેથી પેલો કોથળો ને ટોપલો આપોઆપ તારા માથે ને ખભે ચઢી ન બેસે,
આવજે એકલો આવજે.
હાક મારતા મારતા આવજે. દોડતોક આવશે તો હું કંઈ બહુ આગળ વઈ ગઈ નથી.
સાથેજ થઈ જઈશું.
તું દોટ મૂકી શકે એટલા પૂરતું પણ મારે આગળ જવુંજ રહ્યું.
એકલો પણ આવજે જરૂર હં?