
સુર્યનું કિરણ અને એની ગતિ
એક વાર સુર્યના કિરણને પોતાના અસ્તિત્વ વિશે શંકા ગઈ.
You know identity crisis !!
“કોણે કહ્યું હું છું.?”
સુર્યના કિરણે વિચાર્યું ,”કહેવાય છે કે હું અંધારાનો શત્રુ છું.”
“તો ચલ શત્રુ જ મારી શક્તિને પહેચાનશે”.
એમ વિચારી સુર્યનું કિરણ તો ચાલ્યું અંન્ધારાની વાટે.
જો કે અંધારાની વાટની સુર્યના કિરણને ખબર જ નહોતી.
એ તો લોકોએ કહેલા સુણેલા અંધારાના માર્ગે શોધ ચલાવતા ચાલ્યું અન્ધારાને શોધવા.
કહે છે આજ સુધી સુર્યના કિરણને અન્ધારાનો માર્ગ મળ્યો નથી માટે
દરિયામાં થોડીક ઝપકી ખાઈને સુર્યનું કિરણ ફરી પોતાની ઓળખ શોધવા નિકળી પડ્યું..
એણે સાંભળ્યું હતું કે
ચંદ્ર બહુ શીતળ હોય છે.
એટલે સુર્યનું કિરણ તો ચાલ્યું ચંદ્રની શોધમાં.
ચંદ્ર મળ્યો તો ખરો પણ સુર્યના કિરણને લાગ્યું થોડોક થાકેલો અને નિસ્તેજ લાગે છે
અને ચંદ્ર સાંભળ્યું હતું એટલો તેજસ્વી અને શીતળ તો નથી લાગતો.
ચન્દ્રએ થાકેલા સ્વરે કહ્યું,
”તમે છો પછી મારી આમ પણ શું જરૂર છે ?”
”તમને મારા સર્ટિફિકેટની શી જરૂરિઆત પડી? ”
”મારૂં તેજ તો તમારા અસ્તિત્વ થકી છે.
અને મારી શીતળતા તમારી ગેરહાજરી થકી.
તમે હાજર હોવ તો મારી શીતળતા ન હોય પણ તમારી હુંફ જ હોય”
સુર્યનું કિરણ આશ્ચર્યથી ચંદ્રની વાત સાંભળતું રહ્યું. કશુંક સમજાયું કશુંક ન સમજાયું.
અને ફરી પાછું ચાલ્યું પોતાના અસ્તિત્વની સાબિતિ લેવા.
એણે સાંભળ્યું હતું કે તુલસી ક્યારાનો દિવો થોડું ઘણું મારું કામ સાચવે છે.
તો ચાલ દિવાને પૂછી જોઉં, ”હું કોણ છું ને શા માટે છું ?”
પણ દિવો કહે, ”ઓ સુર્યજી !
મારૂં તેજ આ તેલમાંથી આવે છે અને આ તેલ જેમાથી આવે છે
તે તમારા તેજથીજ પોષાતી વનસ્પતિએ જ મને આપ્યું છે. ”
”હું તમને તમારા વિશે શું કહું?”
સુરજનું કિરણ તો નારાજ થઈ ને ગ્રહો,નક્ષત્રો, તારામંડળો અને નિહારિકાઓ પાસે ચાલ્યું
”અરે કોઈ તો કહો , હું કોણ છું ને મારૂં કામ શું છે?
મારી ઓળખ મારી identity શું છે? ”
ગ્રહો,નક્ષત્રો, તારામંડળો અને નિહારિકાઓ પોતાનું કામ કરવા માં મસ્ત હતાં
કોઈને જાણે ફૂરસદ જ નહોતી સુર્યકિરણની વેદનાની.
સુર્યકિરણને તો એટલે સુધી લાગ્યું કે કદાચ ગ્રહો,નક્ષત્રો, તારામંડળો અને નિહારિકાઓ જાણે
મરક મરક મલકી રહ્યાં હતાં કોઈને ઉત્તર આપવામાં જાણે રસ જ નહોતો એવું લાગ્યું.
એટલે સુર્યનું કિરણ ઉદાસ ઉદાસ થઈ ગયું .
ત્યાં ક્યાંકથી અવાજ આવ્યો, ”હું તું છે. ને તું હું છું”
કિરણે અહીં તહીં જોયું પણ કોઈ દેખાયું નહીં.
સુર્યના અવાજને કિરણ ઓળખે કે ન ઓળખે ,કિરણએ સુર્યની અભિવ્યક્તિ છે.
કિરણને એનું અસ્તિત્વ સમજાયું કે નહીં એને એની identityનો અર્થ જણાતો કે નહીં
એ એના જીવનનું કાર્ય પામ્યું કે નહીં એની મને ખબર નથી.
મને તો માત્ર એટલીજ ખબર છે કે સુર્યનું કિરણ પ્રકાશ આપ્યે જાય છે.
સુર્યનું કિરણ હુંફાળું છે અને સુર્યના કિરણની હાજરીથી અંધકાર ભાગી જાય છે.
હું તને ઓળખું છું કે નહીં.મને તારા અસ્તિત્વનો અર્થ જણાયો છે કે નહીં?
હું તારા સ્વરૂપ ને પામી શકી છું કે નહીં એનાથી શું ફરક પડે છે?
તું ઈશ્વરના અસ્તિત્વની કરિશ્મા ,એની રસિદ, એના અસ્તિત્વનો પૂરાવો છે.
તારા અસ્તિત્વ થકી હું પ્રકાશિત થાઉં છું
તારા અસ્તિત્વ થકી મને ઊષ્મા મળે છે એ કાંઈ નાની સુની વાત છે ?
તારાજ અસ્તિત્વ ની શોધ માંડી ને બેઠો છે ?
તું ઈશ્વરનો પૂરાવો છે.
બસ પૂછ પૂછ ન કર.
તારે કશું બનવાનું નથી. તું જે હોવો જોઈએ તેજ છે.
બસ કંઈક બનવાથી કંઈક હોવા તરફની તારી ગતિ ચાલૂ રાખજે.
”Becoming થી Being” તરફની તારી ગતિ.