
પૃથા
ઉનાળાની બપોરે સૂર્યના તાપથી અળસાઈને
હું
મારી શૈયામાં આળોટતી હતી.
મારા અંગે અંગમાં રેતીના મોજાથી
મારૂ આલસ્ય આળોટયા કરે છે.
અને કદાચ
કોઈ એકવાર અંહી સમુદ્ર હતો. એની સાક્ષી રૂપે
તારી આંગળીઓની ઓકળીઓ જેવા ઓઘરાળા
મારા તન પર ફરકયા કરે છે.
પણ
ત્યાં
તું અચાનક પ્રગટ થઈ. મેઘ મલ્હાર જેવા ઘેઘુર સૂરે ગૂંજી ઉઠે છે. અને દશે દિશાઓને અજવાળતી વીજ પતાકા કડડડડડડ
કરતી ચમકી ઊઠે છે. અને વળી
સમુદ્ર પાસેથી બાકાયદા ઊઘરાવેલા કરથી ભર્યા ભર્યા મેઘ
મારા પર ત્રાટકી પડે છે
. અને કહે, ‘અરે છોડ. આ રેતાળું રણ.’
અને મારે અંગે અંગ વારીના મંત્રથી ફૂટી નીકળેલ અસંખ્ય કુપળો, તૃણો – વૃક્ષો -વનરાજીઓ થી હું લહેરાઈ ઉઠું છું. ઉન્નત બનીને
અને
અસંખ્ય ફૂલોના સંકેતથી આંજી દઉં છું આકાશની દ્રષ્ટિમાં રંગોના અંજન.
મેઘધનુષી રૂપે એ નજરાઈ ન જાય એ માટે
આટલા કારણે તો ચૈતન્યના આ કલાસ માં તેજ પ્રગટ થતું હતું. થાય છે. અને થશે.
આતો માત્ર
એના અસ્તિત્વનો અહેસાસ. મારા અસ્તિત્વમાં ઝીલું છું.
તા.ક. રણમાં વનરાઈ ફેલાઈ શકે એ
આવતી કાલની હકીકત
આજે સ્વપ્ન બનીને મારી કુખે અવતરે છે.
No comments:
Post a Comment