
મારું કામ કયારે કરું?
સરસ મઝાની સવાર ઊગી.
પિતાને મેં પૂછ્યું, ‘મારે શું કરવાનું આજે?’
પિતા કહે , ‘લે આ કામ તો હું જ કરીશ.
પણ લે
આ મારું કામ આજે તારું.
જા – જઈને કામ કર.’
હું તો કામને સાચવીને હૃદયમાં વીંટીને નીકળી.
સહુથી પહેલા મળ્યા તેનું નામ મમ્મી પપ્પા. એ કહે, ‘આમ કર. – તેમ કર’
મેં એ કામો કરી તો નાખ્યા
અને પછી
– મેં કહ્યું, ‘મારું કામ ક્યારે કરું?’
પણ મારું કામ તો મેં સાચવી, સંભાળીને હૃદયમાં વીંટીને મૂકયું હતું.
મમ્મી પપ્પા નામની વ્યક્તિઓએ કહેલા
એ કામ કરતા કરતા ઓર કોઈ મને મળ્યું.
એમનું નામ પતિ અને એનું કુટુંબ.
એ લોકો કહે ,’આમ કરને તેમ કર’
મેં એ કામો કરી તો નાખ્યા
અને પછી
મેં પૂછ્યું, ‘મારું કામ ક્યારે કરું?’
પણ મારું કામ તો મેં સાચવી સંભાળીને હૃદયમાં વીંટીને મૂક્યું હતું.
પતિનાં અને એના કુટુંબના કામ કરતા કરતા કરતા
પછી કોઈ એક વાર બીજી બે વ્યક્તિ મળી નામ એનું દિકરો ,દિકરી.
એ લોકો કહે, ‘આમ કર. ને તેમ કર’
મેં એ કામો કરી તો નાખ્યા
અને પછી
મેં પૂછ્યું ‘મારું કામ ક્યારે કરું?’
પછી ----- પછી ----- પછી------
ઘણા બધા, ઘણી બધી વાર મળ્યા.
બધા કહે, ‘આમ કર. તેમ કર.’
મેં પુછ્યું, ‘મારું કામ ક્યારે કરું?’
પણ મને કોણ કહે, ‘લે તને પિતાએ આપ્યું છે.
તેં સાચવી સંભાળીને હૃદયમાં વીંટીને રાખ્યું છે એ કામ તું કર?’
લો મેં આ કહી દીધું.
‘આમ કર. તેમ કર.’
પણ હૃદયમાં વીંટીને લાવી છે.
એ કામ પહેલા માં પહેલું કર.
પછી પિતાએ આપેલું, સાચવી સંભાળીને હૃદયમાં વીંટી રાખેલું કામ
ખોલીને જોયું તો બધાજ કામ થઈ ગએલા હતા.
No comments:
Post a Comment