
આપણા હ્યાંલા પાહલ્યાત કા ?
ઊંચી સડપાતળ બાંધા ગૌરવર્ણ કે શ્યામવર્ણ.
તે બધુ તો ઠીક,
પણ એક વાતનું બહું કુતુહલ થાય.
તે સડપાતળ બાંધા !
તે હેં આ માત્ર સડપાતળ બાંધાવાળાઓ જ કેમ ગુમાઈ જતા હશે?
શું એ ચોર (અપહરણ કરનાર માણસ ચોરી જ જાયને ? )એમ સમજતો હશે કે આવા સડપાતળ બાંધા વાળા ને ઉંચકી જવું સહેલું હશે. ?
જાડીયાઓને ઉંચકી જવાનું આળસ આવતું હશે ?
કે પછી આ સડપાતળ બાંધા વાળા ઓછું જમશે. ?એવી શ્રધ્ધા હશે.
પણ એવું એ લોકોએ ન કરવું જોઈએ.
બધા જાડીયાઓ કાંઈ વધુ ખાતા નથી.
અને બધા સડપાતળ બાંધાના માણસો બધા જ કંઈ ઓછું જમતા નથી
(અમે રોટલી વણનાર છીએ. એટલે આ બાબતમાં અમારો મત Experts’s opinion જેટલો માન્ય ગણાવો જોઈએ)
અને કદાચ જાડીયાઓ વધારે ખાય.
તો પણ ભલે થોડો દયાભાવ ભલે ઓછો રાખી સડપાતળ બાંધાવાળાને આપો છો એટલી જ રોટલીઓ જાડા લોકોને આપો.
આમ પણ ઓછી રોટલી ખાશે અને થોડા સુકાઈ જશે તો થોડું પુન્ણ લાગશે.
એક કિલો વજન ઘટાડવાનાં એ જાડીયાને કમસે કમ 1000 રૂ આપવા પડતે તે તો એણે નહીં આપવા પડે !!ખરે ખર તો જાડા લોકો ને લઈ જતી વખતે 1000રૂ જોઈએ તો વધારે માંગી લેવાનાં પણ જાડા લોકોનું અપહરણ પણ થવું જ જોઈએ.
જાડા લોકોએ મોર્ચો લઈ જવો જોઈએ.
અમને પણ ચોરી જાવ.
ભલા કેળા, કેરી લેતી વખતે આપણે મોટું મજાનું ફળ લઈએ
અને માણસને લઈ જતી વખતે મોટા જાડા માણસોની કિંમત ઓછી આંકો તે કેમ ચાલે?.
વળી જેનો બાંધોજ સડપાતળ હોય એને પોતાને જ ખાવાનું મળે છે કે નહીં કે પછી એને પોતાનેજ ખાવાના પણ વાંધા હોઈ શકે તો પછી અપહરણ કરનારને એ કે એનાં ઘરવાળાં પૈસા ખવડાવશે કે કેમ એનીશું ખાત્રી !. જાડા પાડા ભરાવદાર માણસનું અપહરણ કરો તો તમે વટ મારી શકો અમે આટલા મોટાને ઉઠાવી લાવ્યા અને એને ઘરેથી અપહરણના બદલામાં પૂરતા પૈસા ન મળવાનું રિસ્ક પણ ઓછું.ખાતે પીતે સુખી ઘર ના લોકો ને ત્યાંથી તમારું પેટિયું ભરાય એટલું મળીજ રહેશે.
માટે હે અપહરણ કરનારાઓ અપહરણ કરો તો જાડીયાપાડિયાનું જ કરજો . સડપાતળ બાંધા વાળાને એમને ઘરે જરા તાજા માજા થવા દેજો.પછી એક વાર જરા શરીર ભરાય પછી અપહરણ કરવાની જરા મજા આવે.લુખડા સુખડા લોકો ને સાઈકલ કે રિક્ષામાં કે મારૂતી વાનમાં લઈ જાઓઅ તો શું રૂવાબ પડે ! એકાદી ટાટા સુમો કે પછી મર્સીડીઝ લોરી માં અપહરણ કરો તો વટ પડી જાય.
અરે આ ડોકટરોએ પણ દાટ વાળ્યો છે બધો . કોલેસ્ટરોલ વધે.
હાર્ટ ડિસીઝ થાય વગેરે વગેરે . પણ ભલા એમાં બીજાનું શું જાય ?
જે કોઈ તકલીફ છે તે અમને જાડીયાઓને થાય છે તમારા - - -નું શું ગયું ?
સ્ફુલની મારી એક બહેનપણી ઘીવાળા સરની દિકરી..
બહુ જાડી હતી.
(ત્યારે હું સડપાતળ બાંધાની)
અને અમે એને જાડી જાડી કહી ચીડવીએ
તો ઝટ લઈને બાંય ચડાવી ને કહે ,’કે તારા બાપના રોટલા ખાધાછે ?
તારામાં હોય તાકાત તો તું જાડી થા ને.?’
અને મને લાગે છે કે એ કરૂણામયી મૈયાના આવા વારં વાર આશીષ વચનથી હું પણ ગોળમટોળ થઈ ગઈ.
પણ તે હેં ! કોઈ જાડા થાય. એમાં બીજાનું શુંજાય ?
જાડાને કપડું વધુ જોઈએ .
એટલે
ધીરૂભાઈ અંબાણીને મફતલાલને ફાયદો,
કપડા વઘુ જલ્દી ફાટે.
માટે દરજીને ફાયદો.
જાડા માણસને ખુરશી,ખાટલા ‘સરખા’ જોઈએ.એટલે સુથારનેય ફાયદો.
અને કદાચ વધુ માંદા પડતા હોય તો ડોકટરનેય ફાયદો .
પછી ભલા આ પાતળા થાઓ, પાતળાથાઓની શું રામાયણ. ?
હવે તમે જ કહો,
એક રૂમમાં કોઈ પ્રસંગે 30-40 બૈરાઓ ભેગા થયા હોય.
એમાં બધી સડપાતળ બાંધાવાળી સ્ત્રીઓમાં પેલી ‘ભારે’ શરીરવાળી સ્ત્રી કેવી ભરેલી ભરેલીને જુદી લાગે. ?
બહારથી બોલાવવી હોય તો કહી દેવાય.
પેલી જરા ભારે શરીરવાળા બેનને બોલાવજો અને એ બેન ઊભા થાય કે બધા ઝટ આઘાપાછા થઈ જગ્યા કરી આપે.
આ ભારે શરીરવાળા બેન. એ જાણે એડવરટાઈઝમેન્ટ છે.
ટીંગ ટોંગ ! અમે બહું સમૃધ્ધ છીએ. અમારે ઘેરે દુધ - ઘીની નદીઓ છે.
અમારું ઘર કેક,ચોકલેટનો પ્રદેશ છે.
બાઈબલમાં Promise land નું જે વર્ણન કર્યુ હતું.
એવા સમૃધ્ધિના પ્રદેશમાં અમે રહીએ છીએ.
અમારે ઘેરે કામ કરનાર નોકરચાકર છે.
[ કહેવાય છે કે જાપાન માં સુખી ઘરની સ્ત્રીઓ નખ લાંબા રાખતી એમ
જણાવવા કે અમારે ઘરકામ કરવું પડતું નથી ]
અમારી ઘરે કામ કરનાર નોકર ચાકર છે.
તેમ જાડી સ્ત્રી અને જાડા પુરૂષો સમૃધ્ધિનું પ્રતિક છે. સુખની એંધાણી છે.
સંતોષનો ઓડકાર છે.
ભલા પછી શા માટે ચોર એમને ચોરતા નથી ?
આ દુ:ખ દર્દથી ભરેલા સંસારમાં કવિઓના દર્દ ભર્યા કાવ્યો સાંભળી કેટલીએ સ્ત્રીઓને રડી રડીને શરદી થઈ જાય છે.
હાસ્ય, આનંદ કેટલું મહામુલૂં છે?
જાડીયાઓની ચાલ, હાલ અને છાલ માં(એડમે પહેરેલી છાલ એટલે કપડાં) બધામાં હાસ્યરસ સૂક્ષ્મરૂપે કે વિશાળરૂપે રહેલો છે.
અભિનવ ગુપ્તે એ સદીઓ પહેલાં રસ ક્યાં રહે લો છે તેના પર સંશોધન કર્યું હતું.
એ સંશોધનમાં જો જાડીયાઓને જોયા હોત તો હાસ્યરસ કયાં પ્રગટ થાય છે.
એ અંગે તેને શંકા ન રહેત.
જાડીયાઓ બોલતાં હોય, ચાલતાં હોય, હસતાં હોય,લપસતાં હોય ,પડતાં હોય , ઉભા થતા હોય, બેસતા હોય અરે ઉંઘવા જેવી નિષ્ક્રિય લાગતી ક્રિયા કરતા હોય તોય હાસ્યરસ વિભાવ બનીને સ્ફુર્યા કરતો હોય છે. જાડીયાઓ રડે તોય હસવું આવે. ગંભીર બેઠા હોય તોય હસવું આવે.
ચાર્લી ચેપલીનને એના genius અભિનય થી જે સાધ્ય છે, તે જાડીયાઓને સહજ સાધ્ય છે.
સડપાતળ બાંધાવાળી મા કેવી લાગે ?
જસોદા મૈયા, સડપાતળ બાંધાની કલ્પી શકો ?
‘સ્નેહ’ ભારોભાર ભરેલી, મશરૂની તળાઈઓ જેવા ખોળાવાળી અને છોકરાને ભૂલે ચૂકે મારે તો તેના હાડકા વાગે નહીં એવી જસોદામૈયા જોઈને જ કૃષ્ણ સડપાતળ બાંધાવાળી દેવકીને છોડીને જેલમાંથી નાઠા હશે.
Imagine જાડી મજાની સ્ત્રી જતી હોય અને આજુબાજુ બે, પાંચ બાળકો દોડાદોડી કરતા હોય એ કેટલું રમ્ય લાગે? લાગે કે આ બધાને સાચવી શકશે. સડપાતળ બાંધાની સ્ત્રીની આસપાસ ચાર પાંચ છોકરાં હોય તો બાળકોની જ નહીં પણ સ્ત્રીની પણ દયા આવે કે આ સ્ત્રી નું શું થશે?
સડપાતળ બાંધાની સ્ત્રી જોઈને જ કડક શિસ્તવાળી, કડક મીજાસની હશે એમ મનમાં ડર લાગે. અને જેનો હાથ જ લાકડી જેવો હોય તેવી મા હોય કે જમાદાર સાથે હોય તો શું ફરક પડે?
જાડી સ્ત્રીઓ ઝટ ચીડાય નહીં.
ચીડાયને તો મારવા દોડે નહીં.
દોડે તો એ બાળકને પહોંચે નહીં. પછી કેવી ફીકર ?
માટે જ કહું છું.
જાડાથાઓ અને સુખી થાઓ.સુખી થાઓ અને જાડા થાઓ.
જગતના દુ:ખોના તારણહાર હવે જો વિષ્ણું પાછો અવતાર લેશે તો જાડી સ્ત્રી તરીકે જ અવતરશે.
આમ પણ એનો એક પણ અવતાર સ્ત્રી રૂપે થયો નથી.આટ આટલા અવતારથી જે કંઈ ન સર્યું તો કદાચને આ છેલ્લે છેલ્લે પોતાની ભૂલો સુધારવા વિષ્ણુ સ્ત્રી સ્વરૂપે અને એ પણ ખાધે પીધે સુખી સ્ત્રી જેવા દેખાતા કલ્કિ માં જન્મ લઈ શકે.
કલ્કિ અવતરશે તો.માટે જ કહું છું,
“ કે કોણ જાણે ક્યારે વિષ્ણુ – કલ્કિ -જાડી સ્ત્રીના રૂપમાં તમને ભટકાયતો ?
(દુર રહીને જ પ્રણામ કરજો)”
ભગવાનના નવ અવતારમાં ભગવાને નવરસ પ્રગટ કર્યા.
હવે અંતિમરસ હાસ્યરસ માટે કલ્કિ અવતાર. જય કલ્કિ, જય કલ્કિ . જાડી સ્ત્રીઓને !!! અને કદાચ જાડા પુરૂષોને પણ નમસ્કાર.
[ જાડાપણું એટલે શાંતિનું પ્રતિક !
હિટલર, મુસોલીની, એલેકઝાંડર, અર્જુન કે (ભીમ ને બાદ કરતા) કોઈ લડવૈયો જાડો સાંભળ્યો છે ?
આ સડપાતળ બાંધાવાળાને જ લડવાનું, યુધ્ધે ચડવાનું, ભાગદોડી કરવાનું ગમે અને પોસાય.
જાડીયાઓ ન દોડે, ન દોડાવે, ન ખળભળાટ કરે ન કરાવે. બેઠા તો બેઠા, શાંત, સ્થિર,બહું હાલવું તેમને ગમે પણ નહીં અને પોસાય પણ નહીં.
આ અસાર સંસારમાં ‘ પેલો જાડીયો જો’ એમ કહીને હસનારા અને હસાવનારા સુખી થાઓ.
વધુ જાડીયાઓ થાઓ. વધુ સુખીને સમૃધ્ધ થાઓ.
દુકાળના પ્રતિક તરીકે હાડપિંજર અને સુકાળના પ્રતિક તરીકે જાડીયાઓ.
લગ્નના બારણે જાડીયાઓને જ સ્વાગત કરવા ઊભા (sorry) બેસાડવા જોઈએ.
અંદર દાખલ થનારા હસીને દાખલ થાય. સમૃધ્ધિમાં પ્રતિકરૂપ નારીયેળી અને પાન
તેમ આ જાડીયાઓના ગાન માન અને શાન સહુએ વધાવનાર તરીકે સ્વીકારવા એવી નમ્ર અરજી આ લેખ દ્વારા કરૂં છું. અને જેનું અપહરણ હજી થયું નથી એવા સડપાતળ લોકોને આવ્હાઅન આપું છું. અષ્ટ પૂત્રા ભવનો આશિષ જૂનો થઈ ગયો.
માટે પુષ્ટ થાઓ અને સુખી થાઓ અને બીજાઓને પણ સુખી બનાવો.